ઈશ્વરના વચનનો અભ્યાસ

“જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર,
સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર,
અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને
તું પ્રયત્ન કર.”
2 તિમોથી 2:15

અભ્યાસની એક રીત

બાઇબલનો અભ્યાસ કરવાની ઘણી રીતો છે. નીચે આપેલી રીત જૂથમાં અભ્યાસ કરવા માટે સારી સાબિત થઈ છે. બાઇબલ અભ્યાસમાં દરેક જણ પોતે એકલા આ કરે, અને પછી સૌ ભેગા મળીને પોતે જે શીખ્યા તે એકબીજાને જણાવે – એ માટે આ રીત સારી રીતે કામ કરે છે. બાઇબલનાં નાનાં પુસ્તકો (જેમ કે તિતસ, 1 અને 2 પિતર, 1 અને 2 તિમોથી, યહૂદા વગેરે) સાથે, દર અઠવાડિયે લગભગ દસ કલમો લઈને, આ કરવું સારું છે.

વાત સ્પષ્ટ રીતે સમજાવી શકાય એ માટે, આપણે ઉદાહરણ તરીકે એક એવું જૂથ લઈશું જે 2 તિમોથીના પુસ્તકનો અભ્યાસ કરવાનું છે, અને અઠવાડિયામાં એક વાર લગભગ એક કલાક માટે મળે છે.

  1. વાંચો

    દર અઠવાડિયે આખો પત્ર બને તેટલી વાર શરૂઆતથી અંત સુધી વાંચો. દર અઠવાડિયે તમે નાના નાના ભાગો જુઓ ત્યારે, શાસ્ત્રવચન વારંવાર વાંચવાથી આખા પત્રનો સંદર્ભ તમારા મનમાં રહે છે.

    કેટલાકને આ વારંવારના વાંચન દરમિયાન જુદાં જુદાં ભાષાંતરોમાંથી વાંચવું મદદરૂપ લાગ્યું છે. ઉદાહરણ તરીકે, જે ગુજરાતી બાઇબલનું એક ભાષાંતર વાંચે છે તે બીજું ભાષાંતર પણ વાંચવા ઇચ્છે.

  2. પોતાના શબ્દોમાં લખો

    વારંવારના વાંચનની સાથે, પહેલી સભાની તૈયારીમાં આપણે અધ્યાય 1 ને પોતાના શબ્દોમાં લખવા ઇચ્છીશું.

    શાસ્ત્રવચનને તમારા પોતાના શબ્દોમાં લખો. આપણે પૂછીએ છીએ, “પ્રભુ, તમે અહીં શું કહેવા માગો છો?” અહીં ધ્યેય “શાસ્ત્રવચનનો સાદો અર્થ શોધવાનો” છે.

  3. સંદર્ભ કલમો

    અધ્યાય 1 માટે, દરેક જણે દરેક કલમ માટે ઓછામાં ઓછી એક સંદર્ભ કલમ શોધવાનો પ્રયત્ન કરવો, જે બતાવે કે તમે કોઈ વાતને અમુક રીતે પોતાના શબ્દોમાં કેમ લખી છે. સંદર્ભ કલમો શોધવાથી દરેક વ્યક્તિ શાસ્ત્રવચનને શાસ્ત્રવચન સાથે સરખાવવા અને પોતાના અંગત અર્થઘટનથી દૂર રહેવા પ્રેરાય છે.

  4. મનન કરો

    દરેક જણે અધ્યાયને પોતાના શબ્દોમાં લખી લીધા પછી અને સંદર્ભ કલમો શોધી લીધા પછી, તેણે ઈશ્વર સાથે એકાંતમાં સમય કાઢીને પ્રાર્થના કરવી અને શાસ્ત્રના આ ભાગ પર મનન કરવું, અને પૂછવું, “પ્રભુ, આને મારી સાથે શો સંબંધ છે?” ઈશ્વરને પૂછો કે શું આમાં આવું કંઈ છે:

    • કબૂલ કરવાનાં અથવા ટાળવાનાં પાપ
    • પકડી રાખવાનાં વચનો
    • અનુસરવા જેવાં ઉદાહરણો
    • પાળવાની આજ્ઞાઓ
    • તેમને વધારે સારી રીતે સમજવા માટેનું જ્ઞાન

    આ સમયનો હેતુ એ છે કે શાસ્ત્રના આ ભાગ માટે ઈશ્વર પાસેથી ચોક્કસ, વ્યવહારુ ઉપયોગ કે પ્રતિભાવ માગવો. આ વિષે વધુ જાણવા માટે મનન વિષેનો લેખ જુઓ.

  5. જૂથમાં અભ્યાસ

    અઠવાડિક સભાઓમાં, પ્રાર્થના પછી, દરેક જણ પોતે પોતાના શબ્દોમાં લખેલું વાંચી સંભળાવે, અને બાકીના ધ્યાનથી સાંભળે. અહીં ધ્યેય એ જોવાનો છે કે કોઈએ શાસ્ત્રવચનમાં કંઈ ઉમેર્યું છે કે શાસ્ત્રવચનમાંથી કંઈ કાઢી નાખ્યું છે. ફરીથી, આપણે ફક્ત “શાસ્ત્રવચનનો સાદો અર્થ” શોધવા માગીએ છીએ.

    બીજું, જૂથે તે અધ્યાયની દરેક કલમનો અલગ અલગ વિચાર કરવો, અને દરેક જણને પોતાની સંદર્ભ કલમો જણાવવાની તક આપવી.

    ત્રીજું, આ ભાગ પર મનન કરતી વખતે ઈશ્વરે દરેકને જે વ્યવહારુ ઉપયોગ બતાવ્યો હોય, તે જણાવવા માટે દરેકને ઉત્તેજન આપવું.

  6. ફરી તપાસો

    બીજાઓએ પોતાના શબ્દોમાં લખેલું, તેઓની સંદર્ભ કલમો અને વ્યવહારુ ઉપયોગ સાંભળ્યા પછી, “લોખંડ લોખંડને ધારદાર બનાવે છે” એવા અનુભવ પછી આપણે કંઈ શીખી શકીએ કે કેમ તે જોવા માટે, એ ભાગ પર વધુ એક વાર પાછા જઈને વિચાર કરવો મદદરૂપ થઈ શકે.

    પ્રેરિતોનાં કૃત્યો 17:11 (બૈરિયાના લોકો વિષે) કહે છે:

“થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા,
કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને,
એ વચનો એમ જ છે કે નહિ,
એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.”
પ્રેરિતોનાં કૃત્યો 17:11

ચાલો, આપણે બૈરિયાના લોકો જેવા થવાનો પ્રયત્ન કરીએ!


સંબંધિત લેખો