પવિત્ર આત્મા

પવિત્ર આત્મા તમને શીખવશે અને દોરશે

જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે
અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી.
પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે
અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું,
તેમ તમે તેમનાંમાં રહો.
1 યોહાન 2:27

આ વેબસાઇટનો સંપૂર્ણ હેતુ એ છે કે વિશ્વાસીઓને ઉત્તેજન મળે કે પોતાના પરમ પવિત્ર વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે જે કંઈ જરૂરી છે તે બધું તેઓની પાસે છે, અને તે માટે તેઓએ સેમિનરીમાં જવાની કે ડૉક્ટરેટની પદવી ધરાવતા કોઈ માણસ પાસેથી શીખવાની જરૂર નથી. એનો અર્થ એવો નથી કે ઈશ્વર સ્ત્રી-પુરુષોને શિક્ષકો તરીકે વાપરતા નથી કે તેઓને કૃપાદાન આપતા નથી; પણ એનો અર્થ એ છે કે ઈશ્વરની વાતો શીખવા માટે આપણે માણસો પર આધાર રાખવાને બદલે, મુખ્યત્વે ઈશ્વરના આત્મા દ્વારા શીખવાતા ઈશ્વરના વચન પર આધાર રાખવો જોઈએ. તેથી ઈશ્વરે આપણને શીખવવા માટે પોતાનો આત્મા, અને આપણા પાઠ્યપુસ્તક તરીકે પોતાનું વચન આપ્યું છે.

તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે; કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી. પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
1 કરિંથીઓ 2:10-12

આ ભાગમાં આપણે જોઈએ છીએ કે ફક્ત આત્મા દ્વારા જ આપણે ઈશ્વરની વાતો શીખી શકીએ છીએ. વળી, પાઉલ 2 કરિંથીઓમાં લખે છે:

અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે; તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
2 કરિંથીઓ 3:5-6

તેથી આપણો ઉદ્દેશ પવિત્રશાસ્ત્રનો અભ્યાસ કોઈ શૈક્ષણિક કવાયત તરીકે કરવાનો નથી, પણ આત્મા દ્વારા ઈશ્વરની વાતો શીખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે ફક્ત જ્ઞાનનો સંગ્રહ કરવા માગતા નથી, પણ જે બાબતો આપણને તેમના સ્વરૂપ સમાન થવામાં મદદ કરે, તે શોધવા માગીએ છીએ.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે; અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે. અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો.
એફેસીઓ 1:17-19

યોહાનના 14 થી 16 અધ્યાયો પવિત્ર આત્મા વિષેનું શિક્ષણ આપે છે. એ અધ્યાયોમાંની બે ખાસ કલમો પવિત્ર આત્માને શિક્ષક અને માર્ગદર્શક તરીકે રજૂ કરે છે:

પણ સહાયક, એટલે પવિત્ર આત્મા,
જેમને પિતા મારે નામે મોકલી આપશે,
તે તમને બધું શીખવશે
અને મેં જે સર્વ તમને કહ્યું
તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.
યોહાન 14:26
તોપણ જયારે સત્યનો આત્મા આવશે,
ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે;
કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ;
પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે;
અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
યોહાન 16:13

તેથી જ્યારે આપણે શીખવા અને વૃદ્ધિ પામવા ઇચ્છીએ, ત્યારે બાઇબલ વિષે બીજા માણસોએ આપેલા ખુલાસાઓ પર ભરોસો ન રાખીએ, પણ પ્રથમ ઈશ્વરના પાઠ્યપુસ્તક તરફ જોઈએ, અને આપણા શિક્ષક તરીકે તેમની સાથે વાતચીત અને સંગત કરવામાં સમય ગાળીએ. તેઓ પવિત્રશાસ્ત્ર દ્વારા આપણા બધા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. તેઓ કહે છે:

માગો તો તમને અપાશે;
શોધો, તો તમને જડશે;
ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.
કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે;
માથ્થી 7:7-8a

પવિત્ર આત્મા શું કરે છે

તેઓ આપણને દિલાસો આપે છે

હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.
યોહાન 14:18

તેઓ આપણને સામર્થ્ય આપે છે

પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો;
અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં
તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.
પ્રેરિતોનાં કૃત્યો 1:8
આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે
ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ;
કલોસ્સીઓ 1:11

તેઓ જગતને ખાતરી કરી આપે છે

જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે
તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
યોહાન 16:8

તેઓ સદા આપણી સાથે છે

‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’
હિબ્રૂઓ 13:5c
અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક
તમારી પાસે સદા રહેવા માટે આપશે,
યોહાન 14:16

“ના” કહેવામાં તેઓ આપણને મદદ કરે છે

કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે;
તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને
વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;
તિતસ 2:11-12

તેઓ આત્મિક જીવન આપે છે

અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે,
પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.
જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે,
તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા,
તેઓ
તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા
તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
રોમનો 8:10-11

તેઓ વિશ્વાસીઓ પર મુદ્રા મારે છે

તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને,
તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા;
ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.
એફેસીઓ 1:13-14
ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે,
તેને ખેદિત ન કરો.
એફેસીઓ 4:30

શું તમારી પાસે પવિત્ર આત્મા છે?

પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે,
તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો;
પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી,
તો તે ખ્રિસ્તનો નથી.
રોમનો 8:9

શું તમારી પાસે પવિત્ર આત્મા છે? જો ન હોય, તો તમે ઈશ્વરનાં સંતાન નથી. અને જો તમારી પાસે આત્મા હોય, તો તમે એ કેવી રીતે જાણો છો? કોઈ લાગણીથી? કે ઈશ્વરના વચનથી? ચાલો જોઈએ કે ઈશ્વરનું વચન શું કહે છે:

કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.
…
તમે દીકરા છો, તે માટે
ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે,
જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે.
ગલાતીઓ 3:26; 4:6
હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે,
‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે,
તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’

પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું;
કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા,
માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.
યોહાન 7:37-39

આપણામાં જે આશા છે તે વિષે જો કોઈ પૂછે, તો તેને ઉત્તર આપવા આપણે તૈયાર રહેવું જોઈએ (1 પિતર 3:15). તમારી પાસે પવિત્ર આત્મા કેમ છે, તેનો ઉત્તર આપવા શું તમે તૈયાર છો?

ગૃહકાર્ય

આ વિષે વધુ જાણવા માટે આ વિડિયો શિક્ષણ જુઓ (અંગ્રેજીમાં): The Holy Spirit Our Teacher