તેને અલગ રહેવા દો

પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો;
એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી;
પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
1 કરિંથીઓ 7:15

મારે આ લેખનું શીર્ષક “મદદ કરો! મારા પતિ (કે પત્ની) મને છોડીને જઈ રહ્યાં છે” રાખવું હતું, પણ મને લાગ્યું કે “તેને અલગ રહેવા દો” શીર્ષકથી, હું જે પવિત્રશાસ્ત્રના સિદ્ધાંતો જણાવવા માગું છું તેના પર વધારે ધ્યાન જશે.

જ્યારે મારી જીવનસાથીએ નક્કી કર્યું કે તેને છૂટાછેડા જોઈએ છે, ત્યારે મારે શું કરવું જોઈએ એ વિષે મારી પાસે પવિત્રશાસ્ત્રના કેટલાક સ્પષ્ટ સિદ્ધાંતો હોત તો કેવું સારું, એવું મને લાગે છે. અલબત્ત, મારા ખ્રિસ્તી જીવનના એ સમયે, મદદ માટે ઈશ્વરને પોકાર કરવા સિવાય મને બીજું કશું કરતાં આવડતું ન હતું. પણ સાથે સાથે મેં છૂટાછેડા વિષેનાં પુસ્તકો જોવામાં ઘણો સમય વિતાવ્યો. એવું લાગતું હતું કે દરેક પુસ્તક જુદી સલાહ આપતું હતું, અને મોટા ભાગનાં પુસ્તકો ખાસ મદદરૂપ લાગતાં ન હતાં. આ લેખમાં હું છૂટાછેડાની આખી પ્રક્રિયા દરમિયાન શીખેલી પવિત્રશાસ્ત્રની કેટલીક સાદી સલાહ જણાવવાની આશા રાખું છું. ટૂંકમાં, જો મારે ફરીથી છૂટાછેડામાંથી પસાર થવું પડે, તો હું આ બાબતો કરું. આ વેબસાઇટના બધા લેખોની જેમ, મારી પ્રાર્થના ફક્ત એટલી જ છે કે “હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે” (2 તિમોથી 2:7).

સિદ્ધાંત #1: “જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો…”

જો તમારી જીવનસાથી તમારું લગ્નજીવન છોડીને જવા ચાહે, તો પ્રેરિત પાઉલ કહે છે, “તેને અલગ રહેવા દો”. એટલે કે, આપણે તેની સામે લડવું ન જોઈએ; “જે બાબતો શાંતિકારક છે” તેની પાછળ આપણે લાગુ રહેવું જોઈએ (રોમનો 14:19, હિબ્રૂઓ 12:14). તેથી મારા કિસ્સામાં, મારે એવી સ્થિતિએ પહોંચવું પડ્યું કે હું કહી શકું, “જો તમારે જવું હોય, તો કૃપા કરીને જાઓ.” એક જ વ્યક્તિ કદી કોઈ સંબંધને ટકાવી રાખી શકતી નથી, અને એમ કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. પ્રેમ સ્વૈચ્છિક છે, જેમ ઈસુ પણ આપણને તેમના પર ભરોસો રાખવા દબાણ કરતા નથી. હું તેમની વિરુદ્ધ ચાલતો હતો ત્યારે પણ તેમણે મને આશીર્વાદ આપવાનું ચાલુ રાખ્યું. કૃપા કરીને યાદ રાખો કે “પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે” (1 કરિંથીઓ 13:7). તમારે તમારા જીવનસાથીને કંઈ પણ રાખી મૂક્યા વગર પ્રભુને સોંપી દેવાં જોઈએ; તેમને વેદી પર મૂકી દો. પવિત્રશાસ્ત્ર કહે છે, “તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” 1 પિતર 5:7.

સિદ્ધાંત #2: “તેને તારું પહેરણ પણ લેવા દે”

આ સિદ્ધાંત મારા માટે ઘણો અઘરો હતો. મારી જીવનસાથી જતી રહેતી હતી, તેથી મને લાગ્યું કે અમારી માલમિલકતમાંથી ઓછામાં ઓછો અડધો ભાગ મને મળે એ જ વાજબી છે… મતલબ કે ખોટ તો આમેય મારા ભાગે આવી રહી હતી, તો થોડું આશ્વાસન તો મળવું જોઈએ, ખરું ને? પણ પવિત્રશાસ્ત્ર શું કહે છે?

પણ હું તમને કહું છું કે
જે દુર્જન હોય તેમની સામા ન થાઓ;
પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે,
તેની તરફ બીજો પણ ફેરવ.
જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને
તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે,
તેને તારું પહેરણ પણ લેવા દે.
માથ્થી 5:39-40

તેથી બધું જ સરખે ભાગે વહેંચવા માટે મારી જીવનસાથી સાથે ઝઘડ્યા પછી, મેં એના બદલે બધું જ તેને આપી દેવાનું નક્કી કર્યું. આપણો હેતુ હંમેશા “ભલાઈથી દુષ્ટતાનો પરાજય” કરવાનો હોવો જોઈએ (રોમનો 12:21), “કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ” (રોમનો 12:20). અહા, બધું જવા દેવામાં કેટલું સારું લાગ્યું! હવે તમારા અને ઈસુ વચ્ચે એક નવા જીવનનો સમય છે. આમેય એ માલમિલકતમાંથી કંઈ પણ તમને સુખી નહિ કરે; એ ફક્ત ખરાબ યાદો પાછી લાવશે.

સિદ્ધાંત #3: “ભાઈઓ પર દાવો ન માંડો”

તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય,
તો સંતોની આગળ ન જતા
અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય?
1 કરિંથીઓ 6:1

મને ખાતરી છે કે આ મુદ્દા પર ઘણા લોકો કદાચ મારી સાથે સહમત નહિ થાય, પણ હું જે આજ્ઞા આપું છું તે મારી નથી, તે પ્રભુની છે (1 કરિંથીઓ 14:37). જો તમારી જીવનસાથી વિશ્વાસી હોય, તો આ બાબતો મંડળીના વડીલો દ્વારા ઉકેલાવી જોઈએ, મંડળીની બહારના વકીલો દ્વારા નહિ. તમારી જીવનસાથીને જે જોઈએ તે બધું લઈ જવા દો અને તેમને જવા દો, તો તમે ઘણી મુશ્કેલીઓમાંથી બચી જશો. મારા કિસ્સામાં, આ બાબત વિષે એક વડીલે મને સલાહ આપી ત્યારે મેં વકીલ સાથે કામ શરૂ કરી દીધું હતું. ત્યારે મેં મારા વકીલને કહ્યું કે હું છૂટાછેડા માટે સંમતિ નહિ આપું, અને મારી પત્ની સાથે વાત કરવા માટે મેં એક વડીલને ગોઠવણ કરી. જોકે પવિત્રશાસ્ત્ર કહે છે “તેને અલગ રહેવા દો”, તે એમ પણ કહે છે કે “ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં” (માથ્થી 19:6). વ્યવહારમાં આનો અર્થ એ છે કે શાંતિ જાળવવા માટે આપણે તેમને જવા દેવાં, પણ આપણે રાજીખુશીથી છૂટાછેડા માટે સંમતિ આપવી એવું હું માની શકતો નથી. જો તેમને છૂટાછેડા જોઈતા હોય, તો સરકારના કાયદા પ્રમાણે તેઓ લઈ શકે, પણ મારા આશીર્વાદ સાથે નહિ. છૂટાછેડાની કાર્યવાહીમાં મેં ખાસ લખાવ્યું કે હું છૂટાછેડાની વિરુદ્ધ છું અને તેમાં સંમતિ નહિ આપું. આનો અર્થ એ થયો કે મારી જીવનસાથી “નો-ફોલ્ટ” (કોઈનો દોષ ઠરાવ્યા વગરના) છૂટાછેડા માગી શકે, જેમાં મારી પાસે કોઈ કાનૂની ઉપાય રહેતો નથી. પરંતુ “અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ” (2 કરિંથીઓ 5:7). એટલે કે, આપણા સંજોગો જોઈને આપણને જે ઉત્તમ લાગે તે પ્રમાણે નહિ, પણ ઈશ્વર પોતાના વચન દ્વારા આપણી પાસે જે કરાવવા ચાહે છે તે પ્રમાણે આપણે નિર્ણયો લેવા જોઈએ.

સિદ્ધાંત #4: “દરેક બાબતમાં આભારસ્તુતિ કરો”

દરેક બાબતમાં આભારસ્તુતિ કરો,
કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
1 થેસ્સાલોનિકીઓ 5:18
માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન,
એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ,
નિત્ય કરીએ.
હિબ્રૂઓ 13:15

પણ તમે પૂછો છો, “આવી ભયંકર પરિસ્થિતિમાં હું આભારસ્તુતિ કેવી રીતે કરી શકું?” હું ફક્ત એટલું જ કહી શકું કે આ પરિસ્થિતિ પ્રભુ તરફથી છે. તેમની ઇચ્છા છે કે આપણે તેમને માટે દુઃખ સહન કરીએ:

કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ,
પણ તેમને માટે દુઃખ પણ સહેવું,
તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે;
ફિલિપ્પીઓ 1:29

શું અયૂબના પુસ્તકનો સંદેશ આ જ નથી? ન્યાયીઓ દુઃખ સહે છે, પણ શા માટે? શું આપણે તેમના મહિમાને અર્થે ઉત્પન્ન કરાયેલા નથી (યશાયા 43:7)? આપણો વિશ્વાસ શુદ્ધ થાય એ માટે તે પોતાનાં બાળકોને દુઃખ સહેવા દે છે:

એમાં તમે બહુ આનંદ કરો છો,
જોકે હમણાં થોડા સમય માટે
વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો
.
એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા
જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે,
તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ
સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
1 પિતર 1:6-7
પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે
કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ
અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે
જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ

તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે
તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.
રોમનો 8:16-18

પ્રિય વાચક, શું પ્રભુ નથી જાણતા કે તમને શાની જરૂર છે? પવિત્રશાસ્ત્ર કહે છે કે “હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો”, “એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા” થાય. જો તમે અત્યારે દુઃખી છો, તો એ એટલા માટે કે તમારા વિશ્વાસને શુદ્ધ કરવા એની જ જરૂર છે. અને આપણા જીવનમાંથી પાપી, દૈહિક બાબતોને જડમૂળથી કાઢી નાખવા માટે તે આપણા પર જાણે શસ્ત્રક્રિયા કરી રહ્યા છે, એ માટે શું આપણે આભારસ્તુતિ ન કરી શકીએ? આપણે આભારસ્તુતિ કરવી જ જોઈએ; તેમણે આપણને એમ જ કરવાનું કહ્યું છે. આપણે તેમના મહિમાને અર્થે ઉત્પન્ન કરાયેલા છીએ.

…શું આપણે ઈશ્વરના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું
અને દુ:ખ નહિ?
અયૂબ 2:10

જો તમે છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યા હો, તો હું આશા અને પ્રાર્થના કરું છું કે દુઃખની વચ્ચે પણ તમે સારું જોઈ શકશો. મને આશા છે કે જેમ હું કહેતાં શીખ્યો છું તેમ તમે પણ કહી શકશો કે મારા છૂટાછેડા મારા જીવનમાં બનેલી સૌથી સારી બાબત હતી. એ જ માર્ગ મને ખ્રિસ્ત પાસે લઈ આવ્યો.