પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો

નોંધ: આ લેખ સુવાર્તા શ્રેણીનો એક ભાગ છે, અને ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા લેખનું અનુસંધાન છે.


પવિત્રશાસ્ત્ર પ્રમાણે, માનવજાતમાં જન્મ લેનાર દરેક જણ આત્મિક રીતે મૂએલો, અપરાધી ઠરેલો અને પાપને કારણે ઈશ્વરથી અલગ થયેલો જન્મે છે; અને જો તે ખ્રિસ્ત વિના મરણ પામે, તો તે “બીજું મરણ”, એટલે અગ્નિની ખાઈ, અનુભવશે. વળી, ઈશ્વરે જાહેર કર્યું છે કે આપણાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં છે, તેથી માણસ પોતાનો ઉદ્ધાર કરવા માટે કંઈ પણ કરવા સાવ અસમર્થ છે; તે તદ્દન લાચાર અને આશારહિત છે. તોપણ ઈશ્વરે દયા કરીને ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલ્યા, જેથી તેઓ મરણ પામીને આપણાં પાપોની કિંમત ચૂકવે. તેમને દફનાવવામાં આવ્યા, ત્રીજે દિવસે તેઓ સજીવન થયા, અને સ્વર્ગમાં ચઢી ગયા. સર્વને માટે પોતાને ખંડણી તરીકે આપનાર એકમાત્ર મધ્યસ્થ તરીકે, ઈસુ ખ્રિસ્ત જ આત્મિક રીતે મૂએલા, અપરાધી ઠરેલા પાપીઓના ઉદ્ધાર માટેનો એકમાત્ર માર્ગ છે. તેઓ મરણ પછીના જીવનનું વચન આપે છે; કોઈ દંડાજ્ઞા નહિ; અને આ શારીરિક જીવનમાં જ આપણે હવે આત્મિક રીતે મૂએલા નહિ, પણ આપણા આત્મામાં જીવંત રહીશું. તો આ અનંતજીવન પામવા અને આપણા આત્મામાં નવો જન્મ પામવા માટે માણસે શું કરવું જોઈએ?


પસ્તાવો કરો અને વિશ્વાસ કરો

“…સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે;
પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.”
માર્ક 1:15
“ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે,
પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
માથ્થી 4:17

પસ્તાવો કરવો એટલે પાપ વિષે અને પોતાના વિષે મનનું પરિવર્તન થવું; પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ વળવું.

“…પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.”
પ્રેરિતોનાં કૃત્યો 17:30

આ તેડું કોઈ પણ અપવાદ વિના, સર્વ સ્થળે, સર્વને માટે છે.


તેમના પર વિશ્વાસ કરો

“ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
યોહાન 6:28-29

ઈશ્વરને સંતોષ આપવા માટે પોતે શું કરવું જોઈએ એમ જ્યારે આ માણસોએ ઈસુને પૂછ્યું, ત્યારે ઉત્તર બિલકુલ સ્પષ્ટ હતો… તેમના પર વિશ્વાસ કરો!

કૃપા કરીને પવિત્રશાસ્ત્રનાં નીચેનાં વચનો પર વિચાર કરો:

“…જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય
પણ તે અનંતજીવન પામે.”
યોહાન 3:16
“તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે…”
યોહાન 3:18
“હું તમને નિશ્ચે કહું છું કે,
‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.’”
યોહાન 6:47
“…હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ? ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.”
પ્રેરિતોનાં કૃત્યો 16:30-31
“તેમની આજ્ઞા એ છે કે
તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ…”
1 યોહાન 3:23
ઈશ્વર, કાર્યો નહિ

મારું વચન સાંભળો અને તેમના પર વિશ્વાસ કરો

“હું તમને નિશ્ચે કહું છું કે,
જે મારાં વચન સાંભળે છે
અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે,
તેને અનંતજીવન છે;
તે અપરાધી ઠરશે નહિ,
પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.”
યોહાન 5:24

આ વચનને ફરી જુઓ, અને વચનો પામવા માટે જણાવેલી બે શરતો પર ધ્યાન આપો: “જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે…”. ઈશ્વરે અનંતજીવનનું અને દંડાજ્ઞા નહિ થાય એનું વચન આપ્યું છે, પણ તે વચન ફક્ત તેઓને જ આપ્યું છે જેઓ સાંભળશે અને વિશ્વાસ કરશે.

સાંભળો, વિશ્વાસ કરો

તેમના પર વિશ્વાસ કરો અને તેમનો અંગીકાર કરો

“છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો,
એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે,
તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે,
મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.”
યોહાન 1:12-13

“ઈશ્વરથી જન્મ” પામવા માટે આ લોકોએ શું કર્યું? પવિત્રશાસ્ત્રના આ વચન પ્રમાણે, તેઓએ તેમના નામ પર વિશ્વાસ કરીને તેમનો અંગીકાર કર્યો. આજે પણ જેઓ તેમના નામ પર વિશ્વાસ કરીને તેમનો અંગીકાર કરે છે, તે સર્વ પણ ઈશ્વરથી જન્મ પામશે.


વિશ્વાસ કરનાર સર્વ ન્યાયી ઠરે છે

“ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે…
વળી તેમને તેઓએ વધસ્તંભ પર જડીને મારી નાખ્યા.
તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા…
તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે
કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે
તે તેમના નામથી પાપની માફી પામશે.”
પ્રેરિતોનાં કૃત્યો 10:36,39-40,43
“…ઈસુને… પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા…
…એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ,
તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.”
પ્રેરિતોનાં કૃત્યો 13:23,28,30,38-39

પ્રેરિતોનાં કૃત્યો 10 માં પિતરે અને પ્રેરિતોનાં કૃત્યો 13 માં પાઉલે, બંનેએ એવો ઉપદેશ કર્યો કે “પાપની માફી” તેઓને મળશે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે.


તમારા અંતઃકરણથી વિશ્વાસ કરો

“…એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ…”
“…ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે…”
રોમનો 10:9-10

પવિત્રશાસ્ત્રના આ વચન પ્રમાણે, જેઓ પોતાના અંતઃકરણથી વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વરની દૃષ્ટિમાં ન્યાયી ઠરશે.


“ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે…
વળી તેમને તેઓએ વધસ્તંભ પર જડીને મારી નાખ્યા.
તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા…
જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે
તે તેમના નામથી પાપની માફી પામશે.
…એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.”
પ્રેરિતોનાં કૃત્યો 10:36,39-40,43; 13:38

“…અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે,
ઈશ્વર સાથે સમાધાન કરો.”
2 કરિંથીઓ 5:20

“આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.” પ્રકટીકરણ 22:17

હવે શું?

જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોય, તો તમે અવિનાશી બીજથી, એટલે ઈશ્વરના વચનથી, નવો જન્મ પામ્યા છો; અને નવા જન્મેલા બાળકની જેમ, તમારે તે વચનના નિર્મળ દૂધની ઇચ્છા રાખવી જોઈએ, જેથી તેના વડે તમે વૃદ્ધિ પામો. તે બીજ તમારામાં શું કરે છે તે બીજી જગ્યાએ વિગતવાર સમજાવ્યું છે (હજી ગુજરાતીમાં અનુવાદ થયો નથી). પછી તેને કેવી રીતે ગ્રહણ કરવું તે જાણવા માટે વચનનું મહત્વ અને વચન ગ્રહણ જુઓ. અને જ્યારે તમે પાયાના સિદ્ધાંતો શીખવા તૈયાર હો, ત્યારે તે વિષેના વધુ પાઠો પણ છે (હજી ગુજરાતીમાં અનુવાદ થયો નથી).