“પૈડા” વડે આપણા ચાલવાની તપાસ


પૈડું: વચ્ચે ધરી તરીકે ખ્રિસ્ત; આરાઓ વચન, પ્રાર્થના, સંગત, સાક્ષી; બહારનો ટાયર આજ્ઞાપાલન – “કાર્યમાં આજ્ઞાકારી ખ્રિસ્તી”.

નેવિગેટર્સ (Navigators) સંસ્થાના સ્થાપક, સ્વર્ગસ્થ ડૉસન ટ્રોટમેન (Dawson Trotman)નું આ “પૈડા”નું ચિત્ર, પ્રભુ સાથેના આપણા ચાલવાની તપાસ કરવા માટેનું ઘણું અસરકારક સાધન છે. ડૉસને જોયું કે ખ્રિસ્તી જીવન એક પૈડા જેવું છે: તેની વચ્ચે ખ્રિસ્ત છે, અને જે રસ્તા પર તે ચાલે છે તે જીવન છે. ખ્રિસ્ત આપણા જીવનનું કેન્દ્ર છે, અને ખ્રિસ્તી જીવન જીવવાનું સામર્થ્ય તે જ આપણને આપે છે. ઈસુ કેન્દ્રમાં ન હોય તો આપણે ખ્રિસ્તી જીવન જીવી શકતા નથી. આરાઓ એ બતાવે છે કે ખ્રિસ્તી તરીકે આપણે શું કરવાનું છે: વચન, પ્રાર્થના, સંગત અને સાક્ષી. આજ્ઞાપાલન એ ટાયર છે, “જ્યાં ટાયર રસ્તા (જીવન)ને અડે છે” તે જગ્યા. ઈસુએ આપણને જે કરવાનું કહ્યું છે તે બધું આપણે કરતા હોઈએ, ત્યારે આપણું પૈડું સરળતાથી ફરે છે. પણ આપણો કોઈ એક આરો ટૂંકો હોય, તો પૈડાનું સમતોલન બગડી જાય છે. સમયે સમયે ખ્રિસ્તી તરીકે આપણે આપણા ચાલવાની તપાસ કરવાની જરૂર છે. આપણે કેવી રીતે ચાલીએ છીએ તે તપાસવા માટે પૈડું એક અસરકારક સાધન છે.

(ચિત્રમાંના અંગ્રેજી શબ્દો: વચ્ચે Christ – ખ્રિસ્ત; આરાઓ The Word – વચન, Prayer – પ્રાર્થના, Fellowship – સંગત, Witnessing – સાક્ષી; નીચે “The Obedient Christian in Action” – કાર્યમાં આજ્ઞાકારી ખ્રિસ્તી.)


કેન્દ્રમાં ખ્રિસ્ત. આપણા જીવનના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. ધરી વગર પૈડું ફરી શકતું નથી. એ જ રીતે, ઈસુ ખ્રિસ્ત વગર આપણે ખ્રિસ્તી જીવન જીવી શકતા નથી:
હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો;
જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું,
તે જ ઘણાં ફળ આપે છે;
કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
યોહાન 15:5
ખ્રિસ્ત વગર આપણે કંઈ કરી શકતા નથી, તેથી તે જ આપણું મુખ્ય લક્ષ હોવા જોઈએ. દાઉદ રાજાએ જે સર્વ કર્યું તેમાંથી, તેણે એક જ બાબતને સૌથી મહત્વની ગણી:
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
ગીતશાસ્ત્ર 27:4
જેમ પૈડાને ધરીમાંથી શક્તિ મળવી જોઈએ, તેમ આપણે ફક્ત ઈસુ ખ્રિસ્ત પાસેથી જ સામર્થ્ય મેળવી શકીએ છીએ. આપણા જીવનમાં ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપીએ ત્યારે જ આપણે કંઈ પણ આત્મિક કરી શકીશું. દયાસન પાસે આપણે ઈશ્વર સાથે સંગત કરવાની જરૂર છે:
અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
નિર્ગમન 25:22
ખ્રિસ્તી જીવન જીવવાનું સામર્થ્ય મેળવવા માટે, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવવાની જરૂર છે (હિબ્રૂઓ 4:16). શું આપણે રોજ ઈશ્વર સાથે સંગત કરીએ છીએ?
  1. વચન. શું આપણે ઈશ્વરના વચનને ગ્રહણ કરીએ છીએ? આ આરો પાંચ જુદા જુદા ભાગોનો બનેલો છે:

    1. સાંભળવું. શું આપણે વચન સાંભળીએ છીએ?
    2. વાંચવું. શું આપણે વચન વાંચીએ છીએ?
    3. અભ્યાસ. શું આપણે વચનનો અભ્યાસ કરીએ છીએ?
    4. મનન. શું આપણે વચનનું મનન કરીએ છીએ?
    5. મુખપાઠ. શું આપણે વચન મુખપાઠ કરીએ છીએ?

  2. પ્રાર્થના. શું આપણે જેમ કરવી જોઈએ તેમ પ્રાર્થના કરીએ છીએ, અને ઈશ્વરની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? બાઇબલ પ્રાર્થના કરવાની ઓછામાં ઓછી 3 રીતો અને 4 જુદા જુદા પ્રકારની પ્રાર્થનાઓ વિષે વાત કરે છે.

    પ્રાર્થના કરવાની 3 રીતો:

    • નિરંતર પ્રાર્થના. શું હું સભાનપણે હંમેશાં પ્રભુને પ્રાર્થના કરતો રહું છું?
      નિરંતર પ્રાર્થના કરો;
      1 થેસ્સાલોનિકીઓ 5:17
    • બીજાઓની હાજરીમાં પ્રાર્થના. ઉદાહરણ તરીકે, જમતાં પહેલાં, મુસાફરી પહેલાં સલામતી માટે, વગેરે.
      પાઉલે એવું કહીને રોટલી લીધી,
      અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી,
      અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
      પ્રેરિતોનાં કૃત્યો 27:35
    • જાગતા રહેવું, એટલે પ્રાર્થના માટે અલગ રાખેલો સમય.
      પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે,
      “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
      માથ્થી 26:40
    પ્રાર્થનાના ચાર જુદા જુદા પ્રકારો:
    1. આરાધના (ગીતશાસ્ત્ર 146:1-2)
    2. પાપની કબૂલાત (1 યોહાન 1:9)
    3. આભારસ્તુતિ (એફેસીઓ 5:20)
    4. વિનંતીઓ:
      • બીજાઓ માટે મધ્યસ્થી (1 તિમોથી 2:1, એફેસીઓ 6:18)
      • માગણીઓ (1 શમુએલ 1:27)
      • અંગત (માથ્થી 7:7)

  3. સંગત. સાચી સંગત એ છે કે ઈશ્વર અને તેમના વચન વિષે આપણે પોતે જે જોયું અને સાંભળ્યું છે તે એકબીજાને જાહેર કરીએ. ઈશ્વરે આપણને જે આત્મિક બાબતો બતાવી છે, તે શું આપણે મંડળીમાંના બીજા વિશ્વાસીઓ સાથે, એક શરીર તરીકે, વહેંચીએ છીએ?
    હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે
    જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ;
    અને ખરેખર અમારી સંગત પિતાની સાથે
    તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.
    1 યોહાન 1:3
  4. સાક્ષી. શું આપણે આપણા ઉદ્ધારક વિષે જગતને સાક્ષી આપીએ છીએ? અને શું આપણે પોતે સુવાર્તાને આધીન થવા તૈયાર છીએ? (જેણે હજુ એમ કર્યું નથી એવી વ્યક્તિને સાક્ષી આપવાના એક વિગતવાર ઉદાહરણ માટે, તમે વિશ્વાસમાં છો કે નહિ, તે પોતાને તપાસી જુઓ લેખ જુઓ.)
    પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો;
    અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં
    તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.
    પ્રેરિતોનાં કૃત્યો 1:8
  5. આજ્ઞાપાલન. અહીં જ ટાયર રસ્તાને અડે છે. શું આપણે આપણા જીવનશૈલીના નિર્ણયોમાં અને આપણા પૈસાના કારભારમાં ઈશ્વરના વચનને આધીન રહીએ છીએ?
    જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.
    યોહાન 14:15
    ઈશ્વર આપણને અત્યારે શું કરવાનું કહે છે?